સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી
------------------
*(૧૧૫) ગોપીગીત*
-----------------
અલબત્ત, આજે આવી સેવામાં - સેવા પ્રસંગોમાં વિકારો આવે છે. પ્રેમનું તત્વ નહિવત હોય છે. જ્યારે આડંબર વધુ હોય છે. પરંતુ વ્યક્તિદોષને કારણે અષ્ટયામ સેવાનું માહાત્મ્ય ઘટતું નથી.
પ્રેમનું ગણિત જુદું છે. અષ્ટયામ સેવાના ભક્તિમાર્ગમાં આ ગણિત સમજવું જરૂરી છે.
પ્રેમ વિશ્વાસમાં જ પ્રગટે છે અને એ સેવા રૂપે પરિણામ પામે છે.
ભગવત્- સેવાથી સ્મૃતિ- સ્મરણ થાય છે. સ્મરણથી તૃપ્તિ અનુભવાય છે.
જ્યાં વિશ્વાસ નથી ત્યાં પ્રેમ નથી.
જ્યાં પ્રેમ છે ત્યાં સેવા સ્વાભાવિક રીતે થાય છે.
પ્રેમ અને સેવા દ્વારા જીવન પ્રિયતમને સમર્પિત બને છે.
પ્રિયતમના વ્યક્તિત્વમાં પોતાના વ્યક્તિત્વનું સમર્પણ એટલે પ્રેમની પૂર્ણતા - પ્રેમની સિદ્ધિ.
આવું સ્વવ્યક્તિત્વનું સમર્પણ એક માત્ર પરમાત્મામાં જ સંભવે છે. એ સિવાય બીજા કોઈમાં પોતાના વ્યક્તિત્વને લીન કરી દેવું શક્ય નથી. પરમાત્માની પ્રભુતામાં જ સ્વવ્યક્તિત્વનું સમર્પણ સ્વાભાવિક બને છે. કારણ કે સામાન્ય સેવામાં વસ્તુઓ અર્પણ થાય છે. એથી વિશેષ ઉચ્ચ કક્ષાએ કર્મ અર્પણ થાય છે.
ભક્તિમાર્ગમાં સ્વાર્પણ છે અને સ્વાર્પણ પ્રેમાર્પણથી જ અલંકૃત છે.
પ્રેમાર્પણ વિનાનું સ્વાર્પણ પણ સંભવિત નથી.
જે અર્પણમાં હૃદયનો આનંદ નથી, પ્રેમની અભિવ્યક્તિ નથી , એ અર્પણ નથી- આડંબર છે. આડંબર મૃત છે. પ્રેમાર્પણ અમર છે. માટે જ મીરાંબાઈ કહે છે:-
*" ઐસે વરકો ક્યા કરું જો જન્મે ઔર મર જાય.!*
*વર વરિયે ગોપાલજૂ, મ્હારો ચૂડલો અમર હો જાય."*
વધુ આવતી કાલે
*જય જય શ્રીગોકુલેશ*
Comments
Post a Comment