સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી
--------------------
*(૧૧૬) ગોપીગીત*
----------------
ગોપી પ્રતિષ્ઠિત પ્રેમમાર્ગના પ્રવર્તક શ્રી ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી એક મહાત્માને જ્યારે એમના પ્રેમસંપ્રદાય સંબંધી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે એમણે જે નિશ્ચયાત્મક અને વિશ્વાસપૂર્ણ વાણીમાં સંપ્રદાયનું સારતત્વ સમજાવ્યું તે આ છે :-
" નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, અથવા તો સગુણ નિરાકાર ઈશ્વર કે વૈકુંઠવાસી નારાયણ, એમાંથી કોઈ મારા આરાધ્ય દેવ નથી. "
" અલબત્ત, અમારા આરાધ્ય ભગવાન તો છે, પરંતુ તે વ્રજરાજકુમાર છે. "
" અમારૂં ધામ વૈકુંઠ, શ્વેતદ્વીપ કે ગોલોક નથી, પરંતુ એ વ્રજરાજકુમારનું ધામ વૃંદાવન જ અમારૂં ધામ છે. "
" અમારી ઉપાસના પદ્ધતિ ગોપીભાવ જેવી કોઈક છે, જેની કલ્પના વ્રજવધુઓએ કરી છે. એ પધ્ધતિ એટલે વ્રજની માતાઓનું વાત્સલ્ય અગર તો વ્રજભગિનીઓનું ભ્રાતૃત્વ નથી. "
"અમારો પ્રામાણિક ગ્રંથ એટલે નિર્મલ, નિર્દોષ મહાપુરાણ શ્રીમદ્ ભાગવત. "
" એમાંથી અમે પુરૂષનો જે મહાન પુરૂષાર્થ છે તે " શ્રીકૃષ્ણપ્રેમ " પ્રાપ્ત કરવા માગીએ છીએ. "
" આ મત- સંપ્રદાયના આચાર્ય છે શ્રી ચૈતન્ય મહાપ્રભુ, "
" આ માર્ગમાં નિ: સંદેહપણે મારી નિષ્ઠા છે અને પરમ આગ્રહ છે. "
વ્રજવધુઓએ પ્રતિષ્ઠિત કરેલા આ પ્રેમમાર્ગમાં શ્રીકૃષ્ણના રૂપ- માધુર્યનું, લીલા- માધુર્યનું, ગુણ- માધુર્યનું, વેણુ- માધુર્યનું આસ્વાદન તો માત્ર પ્રેમમાર્ગના પ્રવાસી બનીને જ લઈ શકાય. બીજાને શું ખબર પડે? કવિ ગંગ કહે છે :-
*" ભટ્ટ કહા જાને ભટ્ટકો ભેદ, કુંભાર કહા જાને ભેદ જગાકો,*
*મૂઢ કહા જાને ગૂઢકી બાત મેં, ભૈસ કહા જાને ખેત સગાકો/*
*પ્રીતકી રીત અતીત કહા જાને, ભીલ કહા જાને પાપ લગાકો,*
*કવિ ગંગ કહે સુન શાહ અકબર, ગદ્ધા કહા જાને નીર ગંગાકો //*
અર્થાત્ ગોપીપ્રેમ દરેક બાબતની કોઈક અકલ્પ્ય- નિરાળી બાજુનું દર્શન કરાવે છે.
ગોપી શ્રીકૃષ્ણનું પ્રભુત્વ સમજતી હતી અને જે પૃથ્વીએ જગદુદ્ધાર માટે પધારવા ભગવાનને પ્રાર્થના કરી, એ જ ભગવાનના ચરણારવિંદ જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં પૃથ્વી કઠોર રહે એ સંભવિત છે ખરૂ? જે ભગવાનના પ્રભાવથી વ્રજ પણ કઠોરતા ભૂલી જાય, તે ભગવાનના ચરણકમલના સ્પર્શથી પૃથ્વી પણ કઠોરતાનો ત્યાગ કરી પુષ્પસમ કોમળ કેમ ના બને?
પરંતુ પ્રેમાવેશમાં પૃથ્વીની કોમળતાની વા ગોપીઓથી ભૂલાઈ ગઈ અને માત્ર પ્રિયતમ- કાન્ત શ્રીકૃષ્ણના *નલિન સુંદરં તે પદં,*- કોમળ, સુંદર, ચરણકમલનું ધ્યાન રહ્યું.
એટલે તેઓ કહે છે-" કાન્ત! હે સુખસાગર! તમારા સુંદર, કોમળ ચરણકમલમાં કાંટા- કાંકરા વાગવાથી કેટલી પીડા થતી હશે ? તમે કેવી રીતે ચાલી શકતા હશો? આવા વિચારમાત્રથી જ અમારૂં મન દુઃખથી ઘેરાઈ જાય છે.
ગોપી - અમારી આ વ્યથા તમે કોઈક સ્થળે છૂપાઈને જોતા હશો અને અમારી હાંસી ઉડાવી હસતા હશો. પણ તમને ખબર છે કે, તમારાં દર્શન માટે અમે કેટલાં આતુર છીએ?
વધુ આવતી કાલે
*જય જય શ્રીગોકુલેશ*
Comments
Post a Comment