સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી
----------------------
*(૧૧૯) ગોપીગીત*
-------------
દિવસના અંત સમયે પણ રાત્રિના પ્રારંભ પહેલાં આકાશનો રંગ પણ જરા ઘેરો લાગે છે, અસ્ત પામતા સૂર્યની આછા લાલ રંગની છાયા આકાશને સૌંદર્ય અર્પે છે, ત્યારે ગાયોનાં ટોળાં વળતાં એમની ખરીઓથી ઊડેલી ધૂળની રજના ગોટા આકાશને જાણે વાદળાંથી મઢી દેવા માગતા હોય એવું લાગે છે. રજથી ઢંકાયેલું, આછા લાલ રંગે રંગાયેલું, આકાશ જાણે મેઘરાજાની સવારીનાં વધામણાં આપતું હોય તેમ, રજરૂપ વાદળાંની દોડાદોડથી મોરલા પણ નાચી ઉઠે છે.
મયૂર- નૃત્ય જોઈને, મેઘના આગમનને વધાવવા- નીરખવા વ્રજવાસીઓ ટોળે મળે છે, ત્યારે એક ગોપી ટીખળ કરે છે-
અરે, આ તો મેઘરાજ નહિ પરંતુ વ્રજરાજ નંદકિશોર પધારે છે ગાયો ચરાવીને અને એ સાંભળી સૌ ખસિયાણાં પડી જાય છે.
સુંદિર શ્યામના સ્વરૂપને મેઘરાજ સાથે સરખાવવા માગતી ગોપીઓ *દિનપરિક્ષયે* કહીને શ્યામના સ્વરૂપ- માધુર્યનો મહિમા ગાતાં કહે છે-
*નીલકુન્તલૈર્વનરુહાનનં*- શ્યામસુંદર! તમારા માથાના વાળ કાળા છે, કોમળ છે, નાના છે, ભરાવદાર છે, વાંકડિયા છે, સુંદર છે. ઉપરાંત-
*વિભ્રદાવૃતં- વિભ્રદ્ આવૃતં*- એ વાળની લટો નીચે લટકીને તમારા ભાલપ્રદેશને- કપાળને પણ જાણે આવરી લે છે, શણગારી દે છે. તમારૂં મુખ એવું લાગે છે કે જાણે-
*નીલકુન્તલૈર્વનરુહાનનં વિભ્રદાવૃતં*- નીલકમલ ઉપર ભમરાઓનું ઝુંડ ગુંજારવ કરતું ફરી વળ્યું હોય-
આ સૌંદર્ય ઓછું હોય તેમ તે સૌંદર્યને પણ શોભાવવા માટે
*ઘનરજસ્વલં*- ગાયોની ખરીઓથી ઊડેલી રજ તમારા વાળ ઉપર અને મુખચંદ્ર ઉપર ચોંટીને તમારા સૌંદર્યને અદ્ભૂત બનાવે છે.
અરે, એ અદ્ભૂત સૌંદર્ય પાસે તો - *દિનપરિક્ષયે*- સૂર્યાસ્ત સમયનું આકાશનું સૌંદર્ય- મેઘના આગમન સમયનું સૌંદર્ય અને પ્રભાવ પણ ઝાંખા પડે છે.
અમને લાગે છે, શ્યામ! કે આ બધું તમને ગમે છે માટે તો તમે-
*ઘનરજસ્વલં*- રજથી ખરડાયેલા મુખને એવું ને એવું રાખો છો. કારણ મુખ ઉપર રજ ઊડે તે કોને ગમે? સૌ કોઈ ઊડતા બરોબર લૂછી નાખે, જ્યારે તમે નથી લૂછતા આ રજ, નથી ઊંચે ચઢાવતા તમારા સુંદર કપાળને ઢાંકી દેતી વાળની લટ, નથી સરખા કરતા વિખરાયેલા વાળ.
આથી અમે માનીએ છીએ કે-
*આવૃતં વિભ્રદ*- આ બધું તમે જાણી જોઈને જ ઊભું કરેલું છે. અર્થાત્ તમે જાણી જોઈને વાળ વિખેરી નાખ્યા છે. તમે જ સૌંદર્યવૃધ્ધિ માટે વાળની લટ લટકતી રાખી છે.
ગોપીઓની વાત સાંભળીને હૃદય સ્થિત શ્રીકૃષ્ણ પૂછે છે :
કૃષ્ણ- તમે તો કહો છો કે હું સુંદર છું જ પછી શા માટે આવું કરું?
ગોપી- અમને બતાવવા માટે જ. એટલે તો તમે સાંજે આવો છો ત્યારે-
*વીર*- શૂરવીર યોદ્ધાઓની અદાથી ગાયોની પાછળ પાછળ એને હાંકવા, એક છેડેથી બીજે છેડે ઘૂમો છો, એક પછી એક પેંતરા પલટો છો અને ચારે દિશામાં મુખડું ફેરવતા જાઓ છો. વળી તીરછી નજરે અમારા તરફ જોતા જાઓ છો. આ બધું અમને બતાવવા માટે તો છે! ખરેખર તમે જાણી જોઈને જ -
*દર્શયન્ મુહુઃ*- તમારૂં સુંદર મુખડું અમને બતાવો છો અને અમને દુઃખી કરો છો.
આમ કહીને ગોપીઓ શ્રીકૃષ્ણના રૂપમાધુર્યની સ્તુતિ કરે છે.
વધુ આવતી કાલે
*જય જય શ્રીગોકુલેશ*
Comments
Post a Comment