સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી
---------------------
*(૧૧૮) ગોપીગીત*
----------------
સાધકને માટે ધ્યાનની બે કક્ષા હોય છે. (૧) દોષાપનયનધ્યાન (૨) ગુણ ધ્યાન.
(૧) ધ્યાનની પ્રથમાવસ્થામાં તનના, મનના, હૃદયના મલ- દોષ દૂર કરવા માટે ભગવાનના દોષનિવારક સ્વરૂપનું વર્ણન કરતાં એ સ્વરૂપમાં લીન થવું એ છે દોષાપનયનધ્યાન.
(૨) ભગવાનના ઐશ્વર્યરૂપ ગુણોનો નિષ્કામ ભાવે મહિમા ગાતાં ગાતાં એ ગુણસાગર પરમાત્માના આનંદ સ્વરૂપમાં પ્રેમભાવે લીન થવું એ છે ગુણધ્યાન.
દોષાપનયન ધ્યાનથી ચિત્તમાંથી રાગ- દ્વેષ, ક્રોધ, આવેશ, પ્રમાદ, આળશ, કામ વગેરે દોષ દૂર થાય છે અને એને સ્થાને :-
ગુણધ્યાન દ્વારા શમ, દમ, ઉપરતિ, સત્ય, સંતોષ વગેરે ગુણો પ્રતિષ્ઠા પામે છે.
દોષ દૂર કરવાનું કામ ભગવાનનું છે. તેમ તેને સાથે સદ્ ગુણોની પ્રતિષ્ઠા કરી હૃદયને શણગારવાનું કાર્ય પણ એ જ ભગવાન કરે છે.
અને આ રીતે પ્રભુકૃપાએ ચિત્ત સુશોભિત બને ત્યારે એમાં પરમાત્મ- સ્વરૂપનો અનુભવ થાય છે.
પરંતુ વ્રજવધુઓએ પ્રતિષ્ઠિત કરેલા પ્રેમ માર્ગમાં માત્ર ચિત્તમાં પરમાત્મ- સ્વરૂપના સાક્ષાત્કારથી તૃપ્તિ નથી થતી. ગોપીઓને બાહ્ય જીવનમાં શ્યામસુંદરનું સાન્નિધ્ય પણ જોઈએ છે. કારણ કે-
ભોજનથી તૃપ્ત થયા પછી જેમ તૃપ્તિનો ઓડકાર આવ્યા પછી ભોજનનો અભાવ થાય છે તેમ પ્રેમમાં તૃપ્તિ આવી ગયા પછી શું?
પ્રેમ માર્ગમાં એક પ્રસંગની તૃપ્તિ તો બીજા પ્રસંગની તૃષા તુરત જ હોય છે. એમાં તૃષા અને તૃપ્તિ એકબીજાની પાછળ પાછળ ચાલ્યા કરે છે અને માટે જ પ્રેમ માર્ગમાં આનંદની અખંડ ધારા વહ્યા કરે છે.
*તવ કા મૃતં તપ્સજીવનં અને પ્રણતદેહિનાં પાપકર્શનં* વગેરે દ્વારા ભગવાનના દોષાપનયન સ્વરૂપનું વર્ણન અને ધ્યાન ધર્યા પછી હવે એ ગુણસાગરના ગુણસ્વરૂપનો મહિમા ગાવા માટેની પૂર્વભૂમિકા જાણે રચતી હોય તેમ ગોપીઓ કહે છે -
*દિન પરિક્ષયે* - દિવસનો ક્ષય થાય ત્યારે વનમાં ગાયો ચરાવીને, શ્રીકૃષ્ણના વ્રજમાં પાછા ફરવાના સમયનો ગોપીઓ નિર્દેશ કરે છે.
*દીનક્ષયે*- દિવસમાં અંત સમયે કહે છે, પરંતુ રાત્રીના પ્રારંભની વાત ગોપીઓ કરતી નથી.
વધુ આવતી કાલે
*જય જય શ્રીગોકુલેશ*
Comments
Post a Comment