*મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્ય વિરચિત શ્રીમદ્ ભાગવત સુબોધિની*
*દશમ સ્કન્ધ જન્મ પ્રકરણ*
*અધ્યાય: ૧ થી ૪ અધ્યાય ૪ શ્રી કૃષ્ણના પ્રાક્ત્યનું કારણ*
સિદ્ધાંત :
નહિસાપેક્ષરૂ પસ્ય પ્રથમં સુનિરૂ પણમ્ ।।
નવલક્ષણસાપેક્ષો હ્યાશ્રયો રૂપ્યતે કથમ્ ? ।।કા.૭ ||
(બીજાની) અપેક્ષાવાળાનું પહેલાં સારી રીતે નિરૂપણ થઈ શકે નહિ, તેથી નવ લક્ષણોની અપેક્ષાવાળા આશ્રયનું (દશમા સ્કંધમાં) નિરૂપણ કેવી રીતે હોઈ શકે ? કા.૭.
(શ્રીમદ્ભાગવત ૨।૧૦।૧માં સર્ગ વિસર્ગ વિગેરે દશ લીલાઓ કહેલી છે તે પૈકી) સર્ગ, વિસર્ગ વિગેરે પહેલી નવ લીલાની અપેક્ષા આશ્રયને રહે છે. તેથી પહેલાં સર્ગ, વિસર્ગ વિગેરે નવનું નિરૂપણ કર્યા વિના આશ્રયનું નિરૂપણ સારી રીતે થઈ શકે નહિ. તેથી એ નવનું નિરૂપણ થયા પહેલાં, એ નવેની અપેક્ષાવાળા આશ્રયનું નિરૂપણ કેવી રીતે હોઈ શકે ? (ન જ હોઈ શકે.) (કા)
અગ્રે લીલાદ્વયકથા ફલસિદ્ધૌ વૃથા ભવેત્ ।।
પૂર્વોત્તરસ્કન્ધયોચ્શ્ર નશ્યેત્ કારણકાર્યતા ।।કા.૮ ।।
*આગળ*
ફલ પ્રાપ્તિ થતાં આગળ બે લીલાઓની કથા નકામી થાય. પહેલાંના અને પછીના સ્કંધોનાં કારણ અને કાર્યના ભાવનો નાશ થાય. કા. ૮.
શરીર રહિત વિષ્ણુ પુરુષનું શરીર ગ્રહણ કરે તે સર્ગ. પુરુષમાંથી બ્રહ્મા વિગેરેની ઉત્પત્તિ થાય તે વિસર્ગ. ઉત્પન્ન થએલાઓને પોતપોતાની મર્યાદામાં રાખવા તે સ્થાન. (પોતપોતાની મર્યાદામાં) રહેલાની અભિવૃદ્ધિ (આબાદી) કરવી તે પોષણ. એવા પ્રકારનો કારણ અને કાર્યનો ભાવ છે. (એટલે સર્ગ કારણ છે અને વિસર્ગ તેનું કાર્ય છે, વિસર્ગ કારણ છે અને સ્થાન તેનું કાર્ય છે, સ્થાન કારણ છે અને પોષણ તેનું કાર્ય છે. એ પ્રમાણે પહેલાં પહેલાંનો સ્કંધ તેની પછીના સ્કંધનું કારણ છે, અને પછીનો સ્કંધ તેની પહેલાંના સ્કંધનું કાર્ય છે.) આની પહેલાના (નવમા) સ્કંધમાં ભકતોનું નિરૂપણ કરેલું હોવાથી, અહિં(દશમા) સ્કંધમાં તેઓના (ભક્તોના) ચિત્તની વૃત્તિઓનો નિરોધ કહેવાનો હોવાથી, (આ સ્કંધનો અર્થ) નિરોધ રહે છે. એમ ન હોય અને અહિં મુક્ત જીવોના આશ્રય તરીકે આશ્રયનું નિરૂપણ કરેલું છે એમ માનીએ તો મુક્તિનું નિરૂપણ કર્યા વિના તેવા આશ્રયનું નિરૂપણ કરવું અશક્ય હોવાથી અયોગ્ય થાય. વળી તમે (પૂર્વપક્ષ કરનાર શ્રીધર) નિરોધનો અર્થ પ્રલય કરો છો, તેથી મુક્તિ પછી તેનું નિરૂપણ કરવામાં આવે એટલે મુકત જીવોનો પ્રલય(નાશ) થાય. એવો અર્થ થાય તે પણ અયોગ્ય છે, અને જો તેનો અર્થ પ્રલય ન કરો તો ઉપર જણાવ્યું તેમ પહેલાંના અને પછીના સ્કંધોના કારણ અને કાર્યના ભાવની હાનિ થાય છે એવો અર્થ છે. (ટિ)
નીચે પ્રમાણે પહેલાંનો સ્કંધ કારણ અને પછીનો સ્કંધ કાર્ય થાય છે.
(૧) (પહેલા સ્કંધમાં અધિકારનું નિરૂપણ છે.) એટલે અધિકારવાળાનાં સાધનો કહેલા છે.
(૨) બીજા સ્કંધમાં એવા સાધનવાળાઓને શ્રવણ (થાય તે કહેલ છે).
(૩) ત્રીજા સ્કંધમાં (શ્રવણમાં) પહેલી સર્ગલીલા કહેલી છે.
(૪) ચોથા સ્કંધમાં સર્જેલાના ધર્મ વિગેરે પુરુષાર્થનાં સાધન કહેલાં છે.
(૫) પાંચમા સ્કંધમાં જેઓના પુરુષાર્થ સિદ્ધ થએલા છે તેઓનું પોતપોતાની મર્યાદામાં સ્થાપન કહેલું છે.
(૬) છઠ્ઠા સ્કંધમાં એવી રીતે મર્યાદામાં રહેલા પૈકી કેટલાક ઉપર ભગવાન્ અનુગ્રહ (પોષણ) કરે છે તે કહેલ છે.
(૭) સાતમા સ્કંધમાં અનુગ્રહ પ્રાપ્ત કરેલનો વૈષમ્ય (પક્ષપાત)નો દોષ ન રહે તે માટે વાસના કહેલી છે.
(૮) આઠમા સંઘમાં વાસનાઓ ન રહે તે માટે સદ્ધર્મ કહેલ છે.
(૯) નવમા સ્કંધમાં રાદ્ધર્મથી દોષરહિત થએલાઓની ભક્તિ કહેલી છે.
(૧૦) દશમા સંઘમાં પછી ભક્તોની (ભગવાનમાં) આસક્તિ કહેલી છે.
(૧૧) અગીઆરમા સ્કંધમાં (ભગવાનમાં) આસક્ત થએલાઓની સ્વરૂપથી સ્થિતિ (મુક્તિ) કહેલી છે.
(૧૨) બારમા સ્કંધમાં તેવી રીતે જેઓની સ્વરૂપથી સ્થિતિ થઈ હોય તેઓને ભગવાનનો આશ્રય થાય છે એમ જણાવેલ છે. આ કારણ અને કાર્યનો ભાવ તે- તે સ્કંધના નિબંધ ઉપરથી સ્પષ્ટ જણાય છે. (લે)
(દશમા સ્કંધમાં આશ્રયનું નિરૂપણ કરેલું હોય તો) આશ્રયનું શ્રવણ થતાં ફલ પ્રાપ્ત થવાથી, તેની પછી અગીઆરમા તથા બારમા સ્કંધમાં કહેલી મુક્તિ અને નિરોધરૂપ લીલા નકામી થાય. વળી પહેલા પહેલાનો સ્કંધ કારણ અને પછીનો સ્કંધ કાર્ય છે. એમ હોવાથી મુક્તિ અને નિરોધનું નિરૂપણ કર્યા વિના, તે પહેલાં જ આશ્રયનું નિરૂપણ કરવામાં આવેલ હોય તો એ કારણકાર્યભાવનો નાશ થાય. (કા)
કૃષ્ણસ્વેકાદશેડપ્યસ્તિ ક્રમશ્ચ સ્વીકૃતો ભવેત્ । કા.૮ |
શ્રીકૃષ્ણનું વર્ણન તો અગીઆરમામાં પણ છે. વળી ક્રમનો પણ સ્વીકાર થશે. કા.૮ાા.
નવ લક્ષણોથી જણાતા શ્રીકૃષ્ણનું દશમા સ્કંધમાં નિરૂપણ કરેલ હોવાથી આ સ્કંધનો અર્થ આશ્રય જ છે, એવી શંકાનું અહિં નિરાકરણ કરે છે. શ્રીકૃષ્ણનું નિરૂપણ તો અગીઆરમા સ્કંધમાં પણ છે. તેથી એ કારણથી આ સ્કંધનો અર્થ આશ્રય કહેતા હો તો અગીઆરમા સ્કંધનો અર્થ પણ આશ્રય કહેવો પડશે એવો ભાવ છે. વળી જો આ સ્કંધનો અર્થ નિરોધ લેવામાં આવે તો સર્ગ વિસર્ગ વિગેરે ૨।૧૦।૧માં જે અનુક્રમ કહેલ છે તે પણ જળવાઈ રહે છે. (કા)
*નિરોધોઽસ્યાનુશયનં પ્રપઞ્ચે ક્રીડનં હરેઃ ।।કા.૯ ।।* *શક્તિભિર્દુર્વિભાવ્યાભિઃકૃષ્ણસ્યેતિ હિ લક્ષણમ્ ।।*
નિરોધ (એટલે) આ (ભગવાન)નું અનુશયન; કારણ કે હરિશ્રીકૃષ્ણનું દુર્વિભાવ્ય શક્તિઓ સાથે પ્રપંચમાં રમણ એવું નિરોધનું લક્ષણ છે. કા.૯ાા.
Comments
Post a Comment