👏🌄🌻"📕"🌷
🌹 *શ્રીમદ્ ભાગવત રહસ્ય:* (પેજ:*22*)
*🌺🍁🌸પ્રથમ સ્કંધ*:--
☘️🍀☘️🛕☘️🍀☘️
શ્રી કૃષ્ણ: શરણં મમ🦚
[[ *શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે, દર્શન કરતાં તૃપ્તિ થતી નથી*. ---- *પરમાત્મા ની કથા વારંવાર સાંભળશો ત્યારે પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે*.]]
ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહિ પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી બધાં કાર્ય કરો. કરોડ કામ છોડીને પહેલું ભગવત સ્મરણ કરવું. કળિયુગના મનુષ્યો જે કરવાનું છે તે કરતા નથી અને જે ન કરવાનું છે તેને પહેલું કરે છે. એટલે વ્યાસજીએ કળિયુગના મનુષ્યને મંદ બુદ્ધિવાળા કહ્યા છે.
વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા આપ સંભળાવો. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી. તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. બેટ દ્વારકાના શ્રી કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. *શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે, દર્શન કરતાં તૃપ્તિ થતી નથી*. ભગવાનની મંગલમય અવતાર- કથાઓનું વર્ણન કરો. ભગવાનની લીલાકથા સાંભળવા માં એમને કદી તૃપ્તિ થતી નથી. કળિયુગમાં અધર્મ વધે છે ત્યારે ધર્મ કોને શરણે જાય છે❓ પહેલા સ્કંધનો આ પહેલો અધ્યાય પ્રશ્નાધ્યાય છે.
સમુદ્રપાર કરવા વાળાને જેમ કર્ણધાર મળી જાય, તેમ આપ અમને મળ્યા છો. આપ અમારા કેવળ ભગવાન છો. એવી રીતે પ્રેમથી કથા કહો કે જેથી અમારા હૃદય પીગળે. પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો. પરમાત્માના દર્શનની આતુરતા વિના સંત મળતા નથી. જીવને પરમાત્માને મળવાથી આતુરતા જાગે છે. ત્યારે પ્રભુકૃપાથી સંત મળે છે. સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે. મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે , ત્યાં સુધી તેને સંત મળે તો પણ તેને તેમાં સદ્ ભાવ થતો નથી. સંત માં સદ્ ભાવ થતો નથી તેનું એક જ કારણ છે, જીવને ભગવદ દર્શનની ઈચ્છા જ નથી.
વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ; તે પ્રમાણે શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ. શ્રવણના ત્રણ પ્રધાન અંગો છે:
(૧) *શ્રદ્ધા*:- શ્રોતાએ એકાગ્રતાથી, શ્રદ્ધાથી કથા સાંભળવી જોઈએ.
(૨) *જિજ્ઞાસાપણું*: શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઈએ, જિજ્ઞાસા ન હોય તો મન ઉપર કથાની અસર થશે નહિ. જાણવાની જિજ્ઞાસા ન હોય તો તેને કથા શ્રવણથી વિશેષ લાભ થતો નથી.
( ૩) *નિર્મત્સરતા*.:- શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ ન હોવો જોઈએ. કથામાં દીન થઈને જવું જોઈએ. *પાપ છોડીને મને ભગવાનને મળવાની તીવ્ર આતુરતા છે એવી ભાવના કથામાં કરો તો શ્રીકૃષ્ણનાં દર્શન થાય.*
પ્રથમ સ્કંધમાં શિષ્ય નો અધિકાર બનાવ્યો છે. એક મહાત્મા રામાયણની કથા કરતા હતા. કથા પૂરી થઈ એક જેણે મહાત્માને પુછયું:- આપે કથા કહી પણ મને સમજાયું નહીં કે રાવણ રાક્ષસ હતો કે રામ રાક્ષસ હતા.
મહાત્મા કહ્યું:- રાવણ રાક્ષસ નહીં કે રામ પણ નહિ .રાક્ષસ તો હું છું કે જે તને સમજાવી શક્યો નહિ. પરમાત્મા ની કથા વાંરવાર સાંભળશો ત્યારે પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે.
શૌનક મુનિએ સૂતજીને કહ્યું ભગવત કથામાં અમને શ્રદ્ધા છે. તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મોનાં પુણ્યનો ઉદય થાય. ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવાની મળે છેશ્રવણભક્તિ પહેલી છે. રૂક્ષ્મણી એ પોતાના પત્રમાં લખ્યું છે ,તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઈ. *શ્રુત્વા* શબ્દ આવ્યો છે. ભગવાનના ગુણો સાંભળવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. શ્રોતામાં વિનય હોવો જોઈએ તેમ વક્તામાં પણ વિનય હોવો જોઈએ. સૂતજી વિનય દાખવે છે. સૂતજીએ શ્રોતાઓને ધન્યવાદ આપ્યો છે. સૂતજી કહે છે: કથા સાંભળીને તમારે જે કરવું જોઈએ એ તે તો તમે કરો છો. તમે શાંતિથી શ્રવણ કરો છો પરંતુ મારું મન ભગવાનમાં સ્થિર થાય છે. તમે જ્ઞાની છો, પ્રભુ-પ્રેમમાં પાગલ છો, પરંતુ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે. કથા કરી હું તો મારી વાણીને પવિત્ર કરીશ. શિવમહિમ્ન સ્તોત્રમાં પુષ્પદન્તે પણ કહ્યું છે, શિવતત્વનું કોણ વર્ણન કરી શકે❓ પણ હું તો મારી વાણીને પવિત્ર કરવા બેઠો છું.
આરંભમાં સૂતજી શુકદેવજીને વંદન કરે છે. તે પછી ભગવાન નારાયણને *નારાયણમ નમસકૃત્ય*। ભારતના પ્રધાન દેવ નારાયણ છે. શ્રી કૃષ્ણ ગોલોકમાં પધાર્યા છે. સર્વ અવતારો ની સમાપ્તિ થાય છે. આ નારાયણ ની સમાપ્તિ થઈ નથી અને થવાની નથી. ભારતની પ્રજાનું કલ્યાણ કરવા તે આજે તપશ્ચર્યા કરે છે. શ્રીશંકરાચાર્યજી નર-નારાયણનાં દર્શન કરે છે.શ્રી શંકરાચાર્યે દર્શન કર્યા પછી કહ્યું કે હું તો મહાન યોગી તેથી આપનાં દર્શન કરી શક્યો, પણ કળિયુગના ભોગી માણસો પણ આપનાં દર્શન કરી શકે તેવી કૃપા કરો. ભગવાને તે વખતે આદેશ કર્યો. બદ્રીનારાયણમાં નારદ કુંડછે ત્યાં સ્નાન કરો. ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે તેની સ્થાપના કરો. બદ્રિ નારાયણ ભગવાનની સ્થાપના શંકર સ્વામીએ કરી છે. શંકરાચાર્યનો પહેલો ગ્રંથ છે. વિષ્ણુ સહસ્ત્રનામની શ્રીભાષ્ય.
મનથી માનસદર્શનનું બહુ પુણ્ય લખ્યું છે. મનથી નારાયણને પ્રણામ કરો. જે જાય બદરી તેની કાયા સુધરી. બદ્રિનારાયણ માં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે.તપશ્ર્વર્યામાં સ્ત્રી, દ્રવ્યનો, બાળક નો સંગ બાધક છે. નારાયણે લક્ષ્મીજી ને કહ્યું કે તમે બહાર બેસીને ધ્યાન કરો. હું અંદર બેસીને ધ્યાન કરીશ. એક ભક્તે બદ્રિનારાયણ ના પૂજારીને પૂછ્યું:- આવી સખત ઠંડીમાં ઠાકોરજીને ચંદનનની પૂજા કેમ કરો છો❓ પૂજારીએ કહ્યું: અમારા ઠાકોરજી તપશ્ચર્યા ખૂબ કરે છે. તેની શક્તિ વધે છે. એટલે ઠાકોરજી ને ગરમી બહુ થાય છે. એટલે ચંદન ની પૂજા કરવામાં આવે છે. સૂતજી સરસ્વતીને, વ્યાસજી ને વંદન કરે છે. તે પછી સૂતજી કથાનો આરંભ કરે છે, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય એ ધર્મ મનુષ્યોને માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી હોવી જોઇએ કે જેમાં કોઈ પ્રકારની કામના ન હોય અને જે નિત્યનિરંતર થાય. આવી ભક્તિથી હૃદય આનંદરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. સૂતજી કહે છે: જીવાત્મા અંશ છે, પરમાત્મા અંશી છે. અંસી થી અંશ વિખૂટો પડ્યો છે તેથી તે દુઃખી છે. તે અંશ અંશીમાં એટલે કે ઈશ્વરમાં મળી જાય તો જીવ કૃતાર્થ થાય. ભગવાન તો કહે છે, *ममैवांशो जीवलोके* તું મારો અંશ છે. તું મને મળીને કૃતાર્થ થઈશ. નર એ નારાયણ નો અંશ છે. મેં નક્કી કર્યું છે કે અંશ (નર)નારાયણ અંશીને ન મળે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. મેં આ સિદ્ધાંત નક્કી કર્યો છે કે મારા પરમાત્માનો આશ્રય કરી મારે તેની સાથે એક થવું છે. કોઈ પણ રીતે ઇશ્વર સાથે એક થવાની જરૂર છે. જ્ઞાનીઓ જ્ઞાનથી અભેદ સિદ્ધ કરે છે. વૈષ્ણવ મહાત્માઓ પ્રેમથી અદ્વૈત સિદ્ધ કરે છે. પ્રેમની પરિપૂર્ણતા અદ્વૈતમાં છે. ભક્ત અને ભગવાન છેવટે એક થાય છે. ગોપી અને કૃષ્ણ એક છે. જીવ ઈશ્વર કેમ વિખુટો પડ્યો તેની ચર્ચા કરવાની જરૂર નથી. જીવને ઈશ્વર નો વિયોગ થયો છે એ સત્ય છે. આ વિયોગ કયારથી અને કેમ થયો તેની પંચાત કરવાની જરૂર નથી. તેથી લાભ નથી, ધોતિયા ને ડાધો પડ્યો હોય તો તે ક્યારે પડ્યો અને કેમ પડ્યો તે વિચારવાથી ધોતિયું સ્વચ્છ થશે નહિ. તું તે ડાધ જ દૂર કર. તે પ્રમાણે જીવ ઈશ્વર ને મળવા માટે જ પ્રયત્ન કરે તે ઈષ્ટ છે.
જીવ ભાગ્યશાળી ત્યારે બને કે જ્યારે છે નિર્ભય બને છે. જેને માથે કાળનો ભય છે તે નિર્ભય ક્યાંથી❓ ભાગ્યશાળી તે કે જેને મૃત્યુનો ભય નથી. ધ્રુવને, વ્રજભક્તોને, પાંડવોને ધન્ય છે કે તેમને કાળ આધીન હતો.
ઈશ્વરને અપેક્ષા રહે છે ,મનુષ્યને મન-બુદ્ધિ આપી તેનું તેણે શું કર્યું❓ મૃત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોખ્ખો છે. જીવને હિસાબ આપતાં બીક લાગે છે ઇન્કમટેકસ ઓફિસરને એક-બે લાખ નો હિસાબ આપવો પડે છે ત્યારે બીક લાગે છે. ત્યારે આખા જીવનનો હિસાબ પ્રભુ માંગશે ત્યારે શું દશા થશે તેનો વિચાર કર્યો છે કોઈ દિવસ ❓
અંતકાળે બીક લાગે છે કરેલાં પાપોની યાદથી. મૃત્યુ ની બીક છે ત્યાં સુધી શાંતિ નથી , કાળ ના કાળ ભગવાન જીવને અપનાવે, તો ભગવાનનો નોકર કાળ તેનું કાંઈ કરી શકતો નથી.
ઉપનિષદ્ કહે છે:- જીવ અને ઈશ્વર સાથે બેઠા છે છતાં જીવ ઈશ્વર ને ઓળખી શકતો નથી. જીવ બહિર્મુખ ને બદલે અંતર્મુખ બને તો તે અંતર્યામીને ઓળખી શકે છે. એક મનુષ્યને જાણવા મળ્યું કે ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસ મણિ છે. પારસમણિ મેળવવા તે મનુષ્ય સંતની સેવા કરવા લાગ્યો, સંતે કહ્યું કે હું ગંગાસ્નાન કરી આવું અને આવીને તને પારસમણિ આપીશ. સંત ગયા. પેલાનું મન તલપાપડ થવા લાગ્યું. સંત ની ગેરહાજરી માં આખી ઝૂંપડી ફેંદી વળ્યો; પરંતુ પારસમણિ હાથ ન લાગ્યો . સંત પધાર્યા. સંતે કહ્યું આટલી ધીરજ ન કરી શક્યો❓પારસમણિ તો મેં દાબડી મૂકી રાખ્યો છે, એમ કહી એક દાબડી નીચે ઉતારી . આ પારસમણિ લોખંડ ની દાબડીમાં હતો. પેલા મનુષ્યને શંકા ગઈ કે આ પારસમણિ લોખંડ ની દાબડીમાં છે તેમ છતાં લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ❓ સાચેસાચે આ પારસમણિ હશે કે સંત મારી મશ્કરી કરે છે❓ તેમણે સંતને પૂછયું. દાબડીમાં પારસમણિ હોવા છતાં લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ❓સંતે સમજાવ્યુ તું જુએ છે ને કે પારસમણિ એક ચીંથરામાં બાંધેલો છે. કપડાં નાં આવરણને લઈ ને પારસમણિ અને લોખંડ નો સ્પર્શ થતો શકતો નથી. એટલે દાબડી સોનાની ક્યાંથી થાય❓ દાબડી લોખંડની રહી કારણકે પારસમણિ ચીથરામાં બાંધેલો હતો. ચીંથરાનું આવરણ હતું. તેવી રીતે જીવ અને ઈશ્વર હૃદયમાં જ છે. પણ વાસનાના આવરણને લઇને તેનું મિલન થતું નથી એટલે કે જીવ ઈશ્વર ને ઓળખી શકતો નથી અને મળી શકતો નથી. *જીવાત્મા એ જ દાબડી છે. પરમાત્મા પારસમણિ છે. વચમાંનું ચીંથરું દૂર કરવાનું છે. અહંતા-મમતારૂપી ચીંથરું દૂર કરવાનું છે.*🙏🏻
(➡️પેજ:*23* કાલે દર્શાવાશે. )
✍️સંકલન:જયદીપ ગઢીઆ.બોરીવલી. મુંબઈ.
[[📕: શ્રીમદ્ ભાગવત મગ્ન પંડિત *શ્રી રામચંદ્ર શાસ્ત્રી ડોંગરેજી મહારાજ* દ્વારા પ્રકટ કિયે ગયે ભાગવત રહસ્ય કે પ્રકાશન.(1964). ]]
🌹જય શ્રીકૃષ્ણ 🌹
🐄👏⛳👏🌱👏
Comments
Post a Comment